બંધ

ઇતિહાસ

ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર , રાખવામાં આવ્યું.

ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનુંનામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. પ૦૦ ફુટ ઉંચાઇની ખડકાળ ટેકરીવાળા ઇડરગઢની તળેટીમાં ઇડર અતિ રમણીય રીતે વસેલું છે. ડુંગર ઉપર આવેલા કિલ્લાની મજબુતાઇ કહેવતરુપ બની ગઇ છે. ઇડરીઓ ગઢ જીતવો એ અશકય વસ્તુ પ્રાપ્ત કરવા બરોબર છે. ચીની મુસાફર હયુ-એન-સંગે (ઇ.સ. ૬૪૦ ) તેની નોંધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે. જેને ચીની ભાષામાં ઓ.ચા.લી. કહે છે. 

પરિહર રજપુતોએ ઇડરની ફરી સ્થાપના કરી હોવાનું મનાય છે. આ રજપૂતોએ ચિતોડને તાબે રહીને કેટલીક પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. ૧ર મા સૈકાના અંતમાં ઇડરના રાજાએ દિલ્લીના રાજા પૃથ્વીરાજ સાથે હિંન્દુસ્તાનના મુસ્લિમ આક્રમણકારો સામે ભાગ લીધો અને સન ૧૧૯૩ ની થાનેસરની લડાઇમાં હિંદુઓની મોટી હાર થઇ અને તેમાં તે મરાયો. ત્યાર બાદ ઇડર હાથી સોર્ડ કોળીના હાથમાં ગયું અને તેના પછી તેનો પુત્ર શામળીઓ ગાદી પર આવ્યો.રાઠોડ રાજવી સોનંગજીએ શામળીયાને મારી નાખ્યો અને ઇડરનો કબજો મેળવ્યો અને રાવ વંશની સ્થાપના કરી, જેમણે ધણી પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. 
વિલીન થયેલા રાજયો પૈકી વિજયનગર એ બીજું અગત્યનું રાજય હતું. ત્યાં મોટે ભાગે પછાત કોમની વસતિ છે. તેનો વિસ્તાર જંગલોનો અને ટેકરીઓથી ધેરાયેલો છે. વિજયનગરથી ૮ માઇલ દૂર અભાપુર પાસે શિવ, મહાવીર,સૂર્ય વગેરેના જૂના મંદિરોના છૂટા છવાયા અવશેષો મળી આવ્યા છે. 
     

ઇ.સ. ૧૧૦૦ માં બંધાયેલા શરણેશ્વર મહાદેવના મંદિરનો અલ્લાઉદ્‍ીન ખીલજીના ભાઇ અલફખાને પાટણની ચડાઇ વખતે નાશ કર્યો. આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ કરેલું છે. પુરાતત્વ વિધાખાતા તરફથી તેના સંરક્ષણ માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. 
ભૂતપૂર્વ પશ્વિમ ભારતની દેશી રાજયોની એજન્સીના સાદરા વિભાગના આંબલીયારા,મોહનપુર, માલપુર, બાયડ અને બીજા રાજયોને આ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યાં છે. આમ હાલના સાબરકાંઠા જિલ્લામાં વિલીનીકરણ અને એકત્રીકરણ થયેલા ર૯ રાજયોનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ અમદાવાદ જિલ્લાના પ્રાંતિજ તાલુકા અને મોડાસા તાલુકાને પણ આ જિલ્લામાં સમાવી લેવામાં આવ્યાં છે.

નવેમ્બર-૧૯પ૬ માં રાજયનું પુનઃસંચાલન થતાં મુંબઇ રાજયના મોટાભાગનું વિભાજન વિદર્ભ,મરાઠાવાડા,સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયું હતું. ઘ્વિભાષી રાજયનું વિભાજન થતાં સાબરકાંઠા જિલ્લો અમદાવાદ જિલ્લાની જેમ અસ્તિત્વમાં આવ્યો. 
છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઇ રાજયનું વિભાજન થતાં ગુજરાત તથા મહારાષ્ટ્ર અલગ અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યા. આ તારીખથી સાબરકાંઠા જિલ્લો રાજયના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો.